આપણે અકાળે આવતી કરચલીઓ અને વૃદ્ધત્વને રોકવા માટે મોંઘા સ્કિનકેર ઉત્પાદનો, ડાયેટ અને અનેક પ્રકારની ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ કરીએ છીએ, પરંતુ એક પાયાની બાબત પ્રત્યે દુર્લક્ષ સેવીએ છીએ – તે છે આપણી ‘સ્લીપિંગ પોઝિશન’. તાજેતરના અહેવાલો અને નિષ્ણાતોના મતે, તમે જે રીતે સુવો છો તેની સીધી અસર તમારી ત્વચાની લાંબા ગાળાની સુંદરતા પર પડે છે. ખાસ કરીને પડખું ફરીને કે પેટના જોરે સૂવાની આદત ચહેરા પર કાયમી કરચલીઓ લાવી શકે છે.
શું કહે છે નિષ્ણાતો?
PSIR હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. લક્ષ્ય ભક્તિયાણીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ચોક્કસ સ્લીપિંગ પોઝિશન ત્વચાના વૃદ્ધત્વની પ્રક્રિયાને વેગ આપી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત એક પડખે અથવા પેટ પર સુવે છે, ત્યારે તેનો ચહેરો ઓશિકા સાથે દબાય છે. આ દબાણ અને ઘર્ષણને કારણે ત્વચા પર જે રેખાઓ ઉપસી આવે છે, તે સમય જતાં કાયમી કરચલીઓમાં ફેરવાઈ જાય છે. આ સમસ્યા ખાસ કરીને ગાલ, કપાળ અને હડપચીના ભાગમાં વધુ જોવા મળે છે. વધુમાં, ગુરુત્વાકર્ષણ બળને કારણે જડબા અને ગરદન પાસેની ત્વચા ઢીલી પડી જવાનું (Sagging) જોખમ પણ રહે છે.
સોજો અને ત્વચાની સ્થિતિસ્થાપકતા
ઘણીવાર સવારે ઉઠતી વખતે ચહેરા પર સોજો કે આંખોની આસપાસના ભાગમાં ભારેપણું દેખાય છે. સામાન્ય રીતે આ પ્રવાહી રીટેન્શન (Fluid retention) અથવા ઓશિકાના દબાણને કારણે હોય છે. જોકે, જો આ સ્થિતિ વર્ષો સુધી ચાલુ રહે, તો ત્વચામાં રહેલું કોલેજન પ્રોટીન તૂટવા લાગે છે અને ત્વચા પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. તેના પરિણામે ચહેરો તેની કુદરતી ચમક ગુમાવી શકે છે.
બચાવ માટે શું કરવું?
- ત્વચાના નિષ્ણાતો અને ડોક્ટરો આ સમસ્યાથી બચવા માટે કેટલીક વ્યવહારુ ટીપ્સ આપે છે:
- સૌથી શ્રેષ્ઠ પોઝિશન: પીઠના જોરે (ચત્તાં) સૂવું એ ત્વચા માટે સૌથી સલામત માનવામાં આવે છે. આ સ્થિતિમાં ચહેરા પર કોઈ દબાણ આવતું નથી.
- ઓશિકાની પસંદગી: સુતરાઉ કાપડના બદલે રેશમ (Silk) કે સાટિનના ઓશિકાના કવરનો ઉપયોગ કરવો જોઈએ. તે ત્વચા સાથે ઓછું ઘર્ષણ પેદા કરે છે.
- માથું ઊંચું રાખવું: ઊંઘતી વખતે માથું થોડું ઊંચું રાખવાથી આંખો પાસે પ્રવાહી જમા થતું નથી, જેનાથી સવારનો સોજો ઘટાડી શકાય છે.
- મેમરી ફોમ: ઓર્થોપેડિક કે મેમરી ફોમવાળા ઓશિકા ચહેરા પરના દબાણને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે.
આમ, માત્ર મોંઘી ક્રીમ લગાવવાને બદલે ઊંઘવાની શૈલીમાં નાનકડો ફેરફાર તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
Disclaimer : આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આ કોઈ તબીબી સલાહ નથી. દરેક વ્યક્તિની ત્વચા અને સ્વાસ્થ્યની સ્થિતિ અલગ હોઈ શકે છે, તેથી તમારી જીવનશૈલી અથવા ઊંઘવાની આદતોમાં કોઈ મોટો ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાત ડૉક્ટર અથવા સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે.

