વડોદરા: વડોદરા જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. વડોદરાના 5 ધારાસભ્યો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ‘લેટર બોમ્બ’ બાદ આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ એક આક્રમક વલણ અપનાવતા સરકારી સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો છે. ધારાસભ્યના આ કડક વલણને કારણે વહીવટી તંત્ર અને સરકારમાં દોડધામ મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસો પૂર્વે વડોદરાના 5 ધારાસભ્યોએ સિસ્ટમ સામે સવાલો ઉઠાવતો મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો, જેને રાજકીય વર્તુળોમાં ‘લેટર બોમ્બ’ તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે સવાલણીના ધારાસભ્યએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આયોજિત જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં હાજર રહેવાને બદલે તેમણે તેનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો. ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી મતવિસ્તારના જૂના અને પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ આવી કોઈ પણ બેઠકમાં ભાગ લેશે નહીં.
જનતાના કામોમાં વિલંબ સામે નારાજગી
કેતન ઈનામદારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે વારંવાર સંકલન બેઠકોમાં લોકહિતના પ્રશ્નો રજૂ કરીએ છીએ, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે. કાગળ પર કામો મંજૂર દેખાય છે અને ગુલાબી પિક્ચર દેખાડવામાં આવે છે પણ વાસ્તવિકતામાં જમીન પર કોઈ કામ થતું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે સંકલન બેઠકમાં જઈને માત્ર ચા-નાસ્તો કરવાથી જનતાના પ્રશ્નો ઉકેલાતા નથી. જૂના કામો પૂરા થશે અને અધિકારીઓ ગંભીરતા બતાવશે ત્યારબાદ જ તેઓ બેઠકમાં પરત ફરશે.
તંત્રમાં મચ્યો ખળભળાટ
સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય જ્યારે પોતાની જ સરકારના વહીવટી તંત્ર સામે બાયો ચઢાવે ત્યારે સ્થિતિ ગંભીર બની જતી હોય છે. કેતન ઈનામદારના આ પગલાને કારણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. સાવલી વિસ્તારના રોડ-રસ્તા, પાણી અને સ્થાનિક પંચાયતના પ્રશ્નો લાંબા સમયથી લંબાઈ રહ્યા હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે.
વડોદરાના રાજકારણમાં કેતન ઈનામદાર હંમેશા તેમના નિખાલસ અને આક્રમક અંદાજ માટે જાણીતા છે. અગાઉ પણ તેમણે રાજીનામાનું હથિયાર ઉગામીને સરકારને દોડતી કરી હતી. હવે આ સંકલન બેઠકના બહિષ્કાર બાદ સરકાર અને સંગઠન દ્વારા તેમને મનાવવાના પ્રયાસો હાથ ધરાય છે કે કેમ તે જોવું રહ્યું.

