ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડની (Gujarat State Wildlife Board) 26મી બેઠકમાં રાજ્યના વન્યજીવ સંરક્ષણને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી અને રાજ્યમાં વધી રહેલી દીપડાની વસ્તીના વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રતનમહાલમાં ‘વાઘ’ની કાયમી એન્ટ્રી: NTCA સાથે મળીને થશે સંરક્ષણ
બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, તાજેતરની વન્યજીવ ગણતરી દરમિયાન દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્ય (Ratanmahal Wildlife Sanctuary) અને તેની આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે. ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે કારણ કે હવે ગુજરાત સિંહ, વાઘ અને દીપડો – એમ ત્રણેય મુખ્ય હિંસક પ્રાણીઓ ધરાવતું રાજ્ય બન્યું છે.
કાયમી વસવાટ માટે વન વિભાગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
NTCA ગાઈડલાઈન્સ: વાઘના સંરક્ષણ માટે ‘નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી’ (NTCA) ના સહયોગથી તમામ દિશાનિર્દેશોનું કડક પાલન કરવામાં આવશે.
દીપડાઓ માટે નવું અભયારણ્ય
ગુજરાતમાં દીપડાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ રેસ્ક્યુ કરાયેલા અને જંગલી દીપડાઓ માટે એક અલગ અને અનુકૂળ અભયારણ્ય શોધવા સૂચના આપી છે. આ પગલાથી માનવ વસાહતોમાં દીપડાના હુમલાની ઘટનાઓ ઘટાડી શકાશે અને પ્રાણીઓને પણ કુદરતી આવાસ મળી રહેશે.
સ્થાનિક સહભાગિતા: સ્થાનિક રહિવાશોને ટાઈગર કન્ઝર્વેશન માટે ખાસ તાલીમ આપીને આ પ્રક્રિયામાં જોડવામાં આવશે.
ઈકો-ટૂરિઝમ અને નવી Visitor Policy Guidelines
મુખ્યમંત્રીએ વન વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજ્યના સુરક્ષિત વન વિસ્તારોમાં ઈકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપતી વખતે વન્યજીવોની શાંતિ ભંગ ન થવી જોઈએ. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને નિયંત્રિત કરવા અને પર્યાવરણની જાળવણી માટે નવી Visitor Policy Guidelines તૈયાર કરવામાં આવશે.
બેઠકના મુખ્ય અંશો:
સિંહ અને પક્ષી અભયારણ્ય: ગીર, નળ સરોવર અને ઘુડખર અભયારણ્યના વિકાસ માટે સર્વગ્રાહી ચર્ચા.
જેસોર રીંછ અભયારણ્ય: બનાસકાંઠાના જેસોર સ્લોથ બેર સેન્ચ્યુરીને નેશનલ પ્રોગ્રામમાં સામેલ કરવાની માહિતી અપાઈ.
પ્રે-બેઝમાં વધારો: વાઘ અને અન્ય હિંસક પ્રાણીઓ માટે શિકારની ઉપલબ્ધતા (Prey availability) વધારવા પર ભાર.
વન્યજીવ અને વિકાસ વચ્ચે સંતુલન
બોર્ડની બેઠકમાં રસ્તા, પાણી પુરવઠો અને ઓપ્ટિકલ ફાઈબર જેવી આશરે 18 જેટલી માળખાગત સુવિધાઓના પ્રસ્તાવોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સરકારનો ઉદ્દેશ્ય છે કે જંગલ વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વન્યજીવોની દેખરેખ (Surveillance) માટે થાય.
ગુજરાત સરકાર હવે માત્ર સિંહ સંરક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, વાઘ અને દીપડા જેવા વન્યજીવો માટે પણ સુરક્ષિત કોરિડોર બનાવવા તરફ આગળ વધી રહી છે. આગામી સમયમાં રતનમહાલ વિસ્તારમાં વાઘની વસ્તી વધારવા માટે માદા વાઘ લાવવા સહિતના પ્રયાસો તેજ કરવામાં આવશે.

