અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મામલતદારની આકરી ઝાટકણી કાઢી છે. કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી, નોટિસ આપ્યા વિના જ દાયકાઓ જૂની ગૌશાળા અને ધર્મશાળા પર બુલડોઝર ફેરવી દેવાના મામલે અદાલતે સખત નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસની ખંડપીઠે ચેતવણી આપી હતી કે જો પ્રક્રિયામાં ક્ષતિ જણાશે તો જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસ અને સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?
ચોટીલામાં નવગ્રહ મંદિર પાસે ‘દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ’ દ્વારા છેલ્લા 80 વર્ષથી એક ગૌશાળા અને ધર્મશાળાનું સંચાલન કરવામાં આવતું હતું. અરજદાર ટ્રસ્ટનો આક્ષેપ છે કે, વહીવટી તંત્રે ૧૨ જાન્યુઆરીના રોજ કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના આ બાંધકામ તોડી પાડ્યું હતું. કડકડતી ઠંડીમાં ગાયોને આશરા વિહોણી કરી દેવામાં આવતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો.
કોર્ટમાં ખુલેલી મહત્વની વિગતો
સુનાવણી દરમિયાન અદાલત સામે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી:
- સ્ટેટસ ક્વોનું ઉલ્લંઘન: 15 જાન્યુઆરીએ જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને સરકારી વકીલે ‘યથાસ્થિતિ’ (Status Quo) જાળવવાની ખાતરી આપી હતી, તેના ગણતરીની મિનિટો પછી પણ સ્થળ પર ડિમોલિશન ચાલુ હોવાના વીડિયો પુરાવા રજૂ કરાયા હતા.
- રેકોર્ડમાં વિસંગતતા: તંત્રએ દાવો કર્યો હતો કે નવેમ્બર 2025માં નોટિસ અપાઈ હતી, પરંતુ ટ્રસ્ટને આ નોટિસ છેક 17 જાન્યુઆરી 2026ના રોજ મળી હતી. અદાલતે આ પ્રક્રિયાને ‘શંકાસ્પદ’ ગણાવી હતી.
- માનવતાનો અભાવ: કાતિલ ઠંડી દરમિયાન અચાનક કરવામાં આવેલી આ કાર્યવાહી સામે કોર્ટે માનવીય અભિગમનો અભાવ હોવાનું પણ નોંધ્યું હતું.
ગુજરાતમાં ગૌશાળા અને ધાર્મિક ટ્રસ્ટો દ્વારા કરવામાં આવતા દબાણોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કડક આદેશો છે, પરંતુ ‘ડ્યુ પ્રોસેસ ઓફ લો’ (કાયદાકીય પ્રક્રિયા)નું પાલન કરવું અનિવાર્ય છે. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ મુજબ, કોઈપણ બાંધકામ હટાવતા પહેલા પૂરતો સમય અને નોટિસ આપવી ફરજિયાત છે. ચોટીલાના કિસ્સામાં આ નિયમોના લીરેલીરા ઉડ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.
કાયદાકીય નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ સરકારી અધિકારી અદાલતને આપેલા અદેશોનો ભંગ કરે છે, ત્યારે તે ‘કોર્ટ ઓફ કન્ટેમ્પટ’ (અદાલતની અવમાનના)નો ગંભીર ગુનો બને છે. આ કેસમાં મામલતદારની ભૂમિકા શંકાના દાયરામાં હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
હાઈકોર્ટે હવે આ મામલે સરકાર પાસે વિગતવાર ખુલાસો માંગ્યો છે. જો અધિકારીઓ દોષિત જણાશે તો માત્ર દંડ જ નહીં, પરંતુ તેમની કારકિર્દી પર પણ જોખમ આવી શકે તેમ છે. આ ઘટના સરકારી તંત્ર માટે એક બોધપાઠ સમાન છે કે વિકાસ કે દબાણ હટાવવાની ઝુંબેશમાં પણ ન્યાયિક મર્યાદાઓનું પાલન અત્યંત આવશ્યક છે. આગામી દિવસોમાં આ મામલે વધુ આકરા આદેશો આવવાની શક્યતા નકારી શકાતી નથી.

