અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ‘ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026’ની ભવ્યતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બિરદાવી છે. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત આ પ્રદર્શન માત્ર ફૂલોની સજાવટ પૂરતું મર્યાદિત ન રહેતા, બે નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ સ્થાપીને વૈશ્વિક ફલક પર ઉભરી આવ્યું છે.
વડાપ્રધાનની પ્રશંસા અને આગામી મુલાકાત
વડાપ્રધાને આ કાર્યક્રમને સર્જનાત્મકતા, ટકાઉપણું (Sustainability) અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું કે દર વર્ષે આ શો તેની કલ્પનાશક્તિ અને વ્યાપમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ રાજકોટ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન અર્થે ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન અમદાવાદના આ ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે છે.
ગિનીસ બુકમાં નોંધાયેલી સિદ્ધિઓ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત આ ૧૪મા ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક પૂરી કરી છે:
- સૌથી મોટું ફ્લાવર મંડલ: ૩૦ મીટરના વ્યાસ ધરાવતું વિશાળ ફૂલોનું મંડલ.
- સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમનું ભવ્ય ચિત્ર.
પ્રદર્શનની વિશેષતાઓ
૨૨ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં ૧૦ લાખથી વધુ રોપાઓ અને ૪૦થી વધુ પ્રજાતિના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં ‘શાશ્વત ભારત’ ઝોનમાં પૌરાણિક કથાઓ અને ‘એચીવમેન્ટ્સ ઓફ ઇન્ડિયા’ ઝોનમાં ઇસરો અને બુલેટ ટ્રેન જેવી આધુનિક સફળતાઓ દર્શાવવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા માટે ૧૦,૫૦૦ ચોરસ મીટરમાં આધુનિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે.

