ક્રિસમસના દિવસે દુનિયાનો અંત આવશે તેવી ખોટી ભવિષ્યવાણી કરી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવનાર ઘાનાના સ્વયંભૂ પાદરી ઇવાન્સ એશુન ઉર્ફે ‘એબો નોહ’ની પોલીસે ધરપકડ કરી છે. 31 ડિસેમ્બરના રોજ ઘાના પોલીસની સ્પેશિયલ સાયબર વેટિંગ ટીમે તેની અટકાયત કરી હતી. એશુન પર આરોપ છે કે તેણે ખોટા દાવાઓ દ્વારા જનતામાં ગભરાટ અને અશાંતિ ફેલાવી છે.
ઘાના પોલીસના જણાવ્યા અનુસાર, ૩૦ વર્ષીય એશુને ઓગસ્ટ 2025 થી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને યુટ્યુબ પર દાવો કરવાનું શરૂ કર્યું હતું કે તેને ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ વૈશ્વિક જળપ્રલયની દૈવી ચેતવણી મળી છે. તેણે પોતાની સુરક્ષા માટે ‘આધુનિક વહાણ’ (Ark) બનાવવાની વાત કહીને લોકો પાસે ફંડ ઉઘરાવ્યું હોવાના પણ અહેવાલો છે. જોકે, ૨૫ ડિસેમ્બરે કોઈ હોનારત ન સર્જાતા એશુને નવો દાવો કર્યો હતો કે તેના ઉપવાસ અને પ્રાર્થનાથી પ્રભુએ પૃથ્વીનો વિનાશ હાલ પૂરતો ટાળી દીધો છે.
ભય અને અફવાઓનું વાતાવરણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એબો નોહની વાતોમાં આવીને માત્ર ઘાના જ નહીં, પરંતુ પડોશી દેશોના લોકો પણ ડરના માર્યા પોતાનાં ઘર, નોકરી અને અભ્યાસ છોડીને બચવા માટે સલામત સ્થળે સ્થળાંતર કરવા લાગ્યા હતા. તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે એશુન જે વિશાળ વહાણ બતાવી રહ્યો હતો, તે વાસ્તવમાં કોઈ અન્ય વ્યક્તિનું નાનું બોટ હતું અને તેણે વીડિયોમાં એડિટિંગ કરીને તેને મોટું દર્શાવ્યું હતું.
કાનૂની કાર્યવાહી ઘાનાના કાયદા હેઠળ જનતામાં ભય અને ગભરાટ ફેલાવવો એ ગુનો છે. આ મામલે કોર્ટે એબો નોહને બે અઠવાડિયાની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને તેના માનસિક સ્વાસ્થ્યની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘાના સરકારે છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક નેતાઓ દ્વારા કરવામાં આવતી ભડકાઉ અને ભય ફેલાવતી ભવિષ્યવાણીઓ પર કડક નિયંત્રણો લાદ્યા છે, જે અંતર્ગત આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

