વર્ષ 2026ના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે બલ્ગેરિયન ભવિષ્યવેતા બાબા વેંગાની આગાહીઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. ‘બાલ્કનના નોસ્ત્રેદમસ’ તરીકે જાણીતા બાબા વેંગાએ વર્ષ 2026 માટે અત્યંત ભયાનક સંકેતો આપ્યા છે, જેમાં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા પ્રભુત્વનો સમાવેશ થાય છે.
યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવ બાબા વેંગાની આગાહીઓ અનુસાર, 2026માં વિશ્વ એક મોટા સૈન્ય સંઘર્ષ તરફ ધકેલાઈ શકે છે. તેમના મતે, ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત આ વર્ષે થઈ શકે છે, જેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળશે. ખાસ કરીને રશિયા અને અમેરિકા વચ્ચેનો સત્તા સંઘર્ષ ચરમસીમાએ પહોંચવાની અને ચીન દ્વારા તાઇવાન પર કબજો મેળવવાની ગંભીર શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ભૌગોલિક રાજકીય અસ્થિરતા સમગ્ર વિશ્વની શાંતિ જોખમાવી શકે છે.
AI અને ટેકનોલોજીનું જોખમ આધુનિક યુગના સૌથી મોટા પડકાર એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતે પણ તેમણે ચેતવણી આપી હતી. આગાહી મુજબ, 2026માં AI માનવતા પર હાવી થઈ જશે, જેના કારણે મનુષ્યની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી શકે છે. ટેકનોલોજીનો આ અતિરેક માનવજાત માટે લાંબાગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કુદરતી આફતોનો પ્રકોપ યુદ્ધ ઉપરાંત, બાબા વેંગાએ પર્યાવરણીય વિનાશની પણ આગાહી કરી છે. તેમના મતે, 2026માં પૃથ્વી પર મોટા પૂર, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતો ત્રાટકી શકે છે. દરિયાની વધતી જતી સપાટીને કારણે અનેક દરિયાકાંઠાના શહેરો જળમગ્ન થવાનો ભય પણ સેવવામાં આવ્યો છે.
જોકે, વૈજ્ઞાનિક સમુદાય આ આગાહીઓને પાયાવિહોણી ગણાવે છે. અગાઉ 9/11 હુમલા અને બ્રિટનના પૂર જેવી તેમની કેટલીક આગાહીઓ સાચી પડી હોવા છતાં, તર્કશાસ્ત્રીઓ તેને માત્ર સંયોગ માને છે. આથી, આવી અટકળોથી ગભરાવાને બદલે જાગૃત રહેવું વધુ હિતાવહ છે.

