નવા વર્ષની શરૂઆતમાં જ આસામ સરકારે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આસામમાં ‘8મા રાજ્ય પગાર પંચ’ (8th State Pay Commission)ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ આસામ દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે 8મા પગાર પંચની રચના કરવાની દિશામાં આગેવાની લીધી છે.
પગાર અને પેન્શનમાં જંગી વધારાની આશા
મુખ્યમંત્રીના આ નિર્ણયને કર્મચારી કલ્યાણ માટે ઐતિહાસિક માનવામાં આવે છે. આ કમિશનની રચના બાદ રાજ્યના લાખો કર્મચારીઓના માસિક વેતનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે, તેમજ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ સુધારો થશે. સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ અમલમાં આવતું હોય છે. વર્ષ 2016માં 7મું પગાર પંચ લાગુ થયા બાદ, હવે જાન્યુઆરી 2026થી નવો પગાર દર લાગુ થવાની ગણતરીએ આ પગલું લેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે અગાઉ 3 નવેમ્બર, 2025ના રોજ ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના દેસાઈના નેતૃત્વમાં 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરી હતી. આ કેન્દ્રીય પેનલને રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય અપાયો છે.
પગાર વધારામાં સૌથી મહત્વની ભૂમિકા ‘ફિટમેન્ટ ફેક્ટર’ ભજવે છે. તે એક એવો ગુણક છે જે મૂળ પગારમાં સીધો વધારો કરે છે. સૂત્રો અને મીડિયા અહેવાલો મુજબ, 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 થી 2.57 ની વચ્ચે રહેવાની શક્યતા છે. જો આ મુજબ નિર્ણય લેવાય, તો કર્મચારીઓના બેઝિક પગારમાં મોટો ફેરફાર આવશે.
સામાન્ય રીતે, નવો બેઝિક પગાર નક્કી કરવા માટે વર્તમાન બેઝિક પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણવામાં આવે છે. જો સરકાર મીડિયા અહેવાલો મુજબ લઘુત્તમ ફિટમેન્ટ ફેક્ટર 1.86 અથવા મહત્તમ 2.57 રાખે, તો અંદાજિત સ્થિતિ કંઈક આવી હોઈ શકે:
ધારો કે કોઈ કર્મચારીનો હાલનો લઘુત્તમ મૂળ પગાર (Basic Pay) ₹18,000 છે:
| વિગત | ફિટમેન્ટ ફેક્ટર (1.86 મુજબ) | ફિટમેન્ટ ફેક્ટર (2.57 મુજબ) |
| વર્તમાન મૂળ પગાર | ₹18,000 | ₹18,000 |
| નવો મૂળ પગાર (અંદાજે) | ₹33,480 | ₹46,260 |
| કુલ વધારો (રકમમાં) | ₹15,480 | ₹28,260 |
- ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો: જો કર્મચારી સંગઠનોની માંગ મુજબ આ ફેક્ટર વધારવામાં આવે, તો મૂળ પગાર સીધો જ વધી જશે.
- DA (મોંઘવારી ભથ્થું) નું મિશ્રણ: સામાન્ય રીતે જ્યારે નવું પગાર પંચ આવે છે, ત્યારે જૂનું મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ભેળવી દેવામાં આવે છે, જેનાથી ભવિષ્યમાં મળનારા અન્ય ભથ્થાં (HRA, Travel Allowance) પણ વધી જાય છે.
- પેન્શનરોને ફાયદો: આ જ ગણતરી પેન્શનરો માટે પણ લાગુ પડશે, જેનાથી તેમના માસિક પેન્શનમાં મોટો ઉછાળો આવશે.
અન્ય રાજ્યોમાં જાગી આશા
આસામ સરકારના આ ઝડપી નિર્ણયથી અન્ય રાજ્યોના કર્મચારી સંગઠનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે એવી અપેક્ષા સેવાઈ રહી છે કે અન્ય રાજ્ય સરકારો પણ જાન્યુઆરી 2026ના ડેડલાઈન પહેલા પોતપોતાના સ્તરે પગાર પંચની જાહેરાત કરી શકે છે.

